Saturday, August 15, 2009

આઝાદીનો એ ઉજમાળો દિવસ.....


આઝાદી મળ્યાને આજે પચાસ વર્ષ થઈ ગયાં. એ પ્રથમ દિવસે દિલમાં કેવો ઉત્સાહ હતો, ઉમંગ હતો. જે લોકોએ આઝાદી મળ્યા પછી શ્વાસ લીધો છે, જે લોકોએ યુનિયન જેકને લાલ કિલ્લા પર ફરકતો જોયો નથી, જે લોકોએ ગોરા લોકોના લશ્કરને સડક પર કૂચ કરતાં જોયું નથી, તેમને આઝાદીની ખુશી અને ખુમારી કેવી હોય તેનો ખ્યાલ ક્યાંથી આવે ? રાતે સૂતા હતા ત્યારે ગુલામ હતા. સવારે જાગ્યા ત્યારે આઝાદ થઈ ગયા હતા. ક્યાંક અડધી રાતે આકાશમાં એક તારો ખરી પડ્યો હતો અને એ પ્રત્યેક હિંદુસ્તાનીના દિલને રોશન કરી ગયો હતો. હું આજે પણ પાછળ ફરીને નજર કરું છું ત્યારે દિલના કોઈક ખૂણામાં એ દિવસને એક હીરાની જેમ ઝગારા મારતો જોઉં છું. જ્યારે સદીઓના ગહન અંધકારમાંથી નીકળીને ભારતે પહેલી વાર આઝાદીનો ઉજાસ જોયો હતો. સ્વતંત્રતાનો શ્વાસ લીધો હતો.
તે દિવસે કેવો જુસ્સો હતો ? કેટલો આનંદ અને ઉલ્લાસ હતો ! આખું મુંબઈ શહેર જાણે સાગમટે ઘરની બહાર ઊમટી પડ્યું હતું. એક મોટો માનવમહેરામણ સડક પર ઝૂમી રહ્યો હતો. જોકે મુંબઈ તો એનું એ હતું. એની ગરીબી પણ એની એ હતી. એના એ ફૂટપાથવાસીઓ હતા. એના એ ઝૂંપડપટ્ટીવાળાઓ હતા. બેકાર, નાગા-ભૂખ્યા. પણ તે દિવસે એમના ચહેરા પરની રોનક જો તમે જોઈ હોત ! જો કે તે દિવસે આમ તો ખાસ કંઈ બદલાયું નહોતું. પણ તમામના ચહેરા પરનું નૂર બદલાઈ ગયું હતું.
તે દિવસે ચોરોએ, ખિસ્સાકાતરુઓએ અને ગુંડાઓએ પણ બંધ પાળ્યો હતો. આખા દિવસમાં મુંબઈમાં ખૂનનો એક પણ બનાવ બન્યો નથી બન્યો. જાણે મૃત્યુએ પણ મોતનો મલાજો પાળ્યો હતો. લોકો વહેલી સવારથી પોતપોતાના ઘરેથી નીકળી નીકળીને સડકો પર દોડતા હતા. એકમેકથી અપરિચિત હોવા છતાં હાથમાં હાથ પરોવીને ચાલતા હતા. ગાતા હતા. નાચતા હતા. પાગલોની જેમ હસતા હતા. બીજે દિવસે આ આનંદ ઓસરી જશે. ભૂખ ફરી સતાવશે. બેકારી ફરી ઘેરી વળશે. ચોર લોકો ફરી ચોરી કરશે, ખિસ્સાકાતરુઓ ફરી ખિસ્સાં કાપશે તે ખરું, પણ આજે બધું બંધ. આજનો દિવસ તો કંઈક અનોખો જ હતો ! નવો જ પ્રકાશ ! જાણે હજુ હમણાં જ ગંગામાંથી સ્નાન કરીને નીકળ્યો છે ! એના નિર્દોષ ચહેરા પર પ્રથમ દિવસના શિશુના ચહેરા પર જે સ્મિત હોય છે તેવું સ્મિત હતું.
તે દિવસે મુંબઈમાં હજારો સરઘસ નીકળ્યાં હશે. તે દિવસે પ્રત્યેક ગલી એક સરઘસ હતું. પ્રત્યેક બજાર એક સરઘસરૂપે. જ્યાં જુઓ ત્યાં સરઘસ. જ્યાં જુઓ ત્યાં માનવમહેરામણ. જ્યાં જુઓ ત્યાં શોરબકોર. તે દિવસે પ્રત્યેક હૃદય એક સરઘસ. પ્રત્યેક હૃદયમાં દબાયેલો આનંદ, ઉમંગ, હર્ષોલ્લાસ, સદીઓથી દબાયેલી, કચડાયેલી ઈચ્છાઓ, આજે એકદમ નિર્બંધ રીતે પ્રગટ થઈ રહી હતી. તે દિવસે ત્રિરંગા ઝંડાને જોઈને આંખો ભીની થઈ જતી હતી. તે દિવસે અનુભવ થયો કે સમાજ એટલે શું ? દેશ એટલે શું ? દેશાભિમાન એટલે શું ? હૃદયની ધરતીના કોઈક ખૂણામાં ક્યાંક બીજ પડ્યું હશે. તેમાંથી આજે પંદરમી ઑગસ્ટે એકાએક કોંટો ફૂટીને જોતજોતામાં વટવૃક્ષ બનીને આકાશને આંબવા માંડ્યું. પ્રત્યેક જાલિમોને-તાનાશાહોને હું કહું છું – આ નાનકડા બીજથી ચેતજો. એ કદી મરતું નથી.
ઘણાંબધાં સરઘસોમાંથી નાની નાની ટુકડીઓ બનીને ગોવાલિયા ટૅંક પર બધા ભેગા થતા હતા. 1942ની 8મી ઑગસ્ટે ગાંધીજીએ અહીંથી જ અંગ્રેજોને ‘ક્વિટ ઈન્ડિયા’નું એલાન આપ્યું હતું. અને 9મી ઑગસ્ટે સરકારે કૉંગ્રેસ કારોબારીના તમામ આગેવાનોને – ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, વગેરેને…. જેલમાં પૂરી દીધા હતા. એટલા માટે ગોવાલિયા ટૅંકનું ઐતિહાસિક મહત્વ છે. હજારોની સંખ્યામાં લોકો આ તરફ આવી રહ્યા હતા. જ્યાંથી આપણા લાડીલા નેતાઓએ અંગ્રેજોને ‘ક્વિટ ઈન્ડિયા’નો આદેશ આપ્યો હતો. ત્યાંથી જ અમે પણ અમારા સરઘસની શરૂઆત કરી. લેખકો, સાહિત્યકારો, ફિલ્મ જગતના સિતારાઓ અને થિયેટરોમાં કામ કરનારાઓનું એ સરઘસ હતું. કેટલાક ચહેરાઓ તો બરાબર યાદ છે. પૃથ્વીરાજ કપૂર અને રાજકપૂર ઢોલ અને ડફ વગાડતા હતા. જોહરા સહગલ અને અજરા બટ્ટ નાચતાં હતાં. ધીમે ધીમે તમામ લોકોએ નાચવાનું અને ગાવાનું શરૂ કરી દીધું. અરે, એટલે સુધી કે જેને વિશે એમ કહેવાય છે કે, ‘નાચનારીનું આંગણું વાંકું’ તેવા અબ્બાસ પણ પોતાના ઘોઘરા અવાજે ગાતા હતા, નાચતા હતા. સરદાર મજરૂહ, કૈફી, સાહિર, મહેન્દ્ર, મજાજ, પ્રેમધવન, ઈસ્મત ચુગતાઈ, વિશ્વામિત્ર, આદિલ આઝાદીનાં ગીતો લલકારી રહ્યાં હતાં. મજાજ મને પકડીને વારંવાર ટોળામાં ઘસડી જતા હતા. જ્યાં બધા નાચતા હતા, ગાતા હતા. ઝૂમ બરાબર ઝૂમ. અને મને કહેતા હતા – ‘નાચો કૃષ્ણ નાચો, જુઓ, આજે તો યમુનાતટે ગોપીઓ ઘેલી બની છે.’ અને જ્યારે મને નાચતાં ન આવડતું ત્યારે ધતતેરી કહીને મારાથી અલગ થઈ જતા. પછી બંને હાથ ઊંચા કરીને એવું કંઈ કરતા કે અમે બધા હસી હસીને બેવડ વળી જતા હતા.
અમારું સરઘસ જેમાં હજારેક લોકો હશે. ગોવાલિયા ટૅંકથી આગળ વધતું વધતું ફલોરા ફાઉન્ટન તરફ ચાલ્યું. ચાલતાં ચાલતાં કલાકો નીકળી ગયા. જ્યારે લોકો એકબીજાને ભેટે ત્યારે તો ખાસ કંઈ તકલીફ પડતી નથી. પણ જ્યારે ટોળાનાં ટોળાં એકમેકને ભેટે ત્યારે ભારે તકલીફ ઊભી થાય છે. એટલે રસ્તામાં અટકી અટકીને ચાલવું પડતું હતું. ક્યાંક ચાપાણી થતાં તો ક્યાંક કોફી. ફલોરા ફાઉન્ટન સુધી જતાં જતાં પગ થાકી ગયા પણ જુસ્સો એવો ને એવો હતો. ત્યાંથી પછી અમે અલગ અલગ ટુકડીઓમાં વહેંચાઈ ગયા. એમ થયું કે શહેરમાં બીજે પણ જઈએ, ત્યાંની રોનક પણ જોઈએ. અમે લોકો ક્રાફડ માર્કેટ ગયા. ત્યાંથી મહોમ્મદઅલી રોડ ગયા. અહીં ત્રિરંગા ઝંડાની શોભા અનોખી જ હતી. ક્યાંક ક્યાંક પાકિસ્તાની ધ્વજો પણ દેખતા હતા. અહીં લોકો બંને દેશની આઝાદી માટે દુઆઓ માગી રહ્યા હતા. અહીં હજુ પેલા વિવાદની શરૂઆત નહોતી થઈ જેને કારણે પછીથી બંને દેશો વચ્ચે ચચ્ચાર યુદ્ધો થયાં.
મહોમ્મદઅલી રોડથી અમે પ્રાર્થનાસમાજ તરફ ગયા. જ્યાં ગુજરાતીઓની વસ્તી છે. લોકો ત્યાં ગરબા ગાતા હતા. દાંડિયારાસ રમતા હતા. ત્યાંથી એક ટુકડી ઓપેરાહાઉસ તરફ ગઈ. જ્યાં મોટરના સ્પેરપાર્ટ્સ વેચનારા પંજાબી ભાઈઓએ ભાંગડા નૃત્યની જમાવટ કરી હતી. બીજી ટુકડી ફારસ રોડ તરફ ગઈ. ત્યાં પણ પ્રત્યેક નાચનારીએ પોતપોતાની બારી પર ત્રિરંગો ઝંડો લગાડી દીધો હતો. ઝરૂખાવાળીઓએ પોતાનો ઝરૂખો શણગારી દીધો હતો. જેઓ આખો દિવસ અને આખી રાત પ્રાણીબાગનાં પશુઓની જેમ પોતપોતાના માળામાં ભરાઈ રહે છે, તેઓ પણ આજે તો ચચ્ચાર, છ-છ કે આઠદસનાં ઝૂમખાંમાં નીકળી પડી હતી. હાથમાં ત્રિરંગો ઝંડો પકડીને ‘ઈન્કિલાબ જિન્દાબાદ’નાં સૂત્રો પોકારી રહી હતી. મને હસવું આવ્યું. મેં આદિલ રશિદને પૂછ્યું :‘અલ્યા, આ કેવો ઈન્કિલાબ ?’આદિલ રશિદ ભારે નટખટ. મારો હાથ દબાવીને કહે, ‘આ તો બધા ઢોંગ છે ઢોંગ. નક્કામી ડોળ કરે છે દેશભક્તિનો. ઊભો રહે. હમણાં તને બતાવું….’ કહી એ ચાલતાં ચાલતાં થોભી ગયો. એક જણ તરફ જોઈને એણે કહ્યું : ‘કેમ છે ?’આજે એણે વાસંતી સાડી પહેરી હતી. કપાળે કંકુનો સરસ ચાંલ્લો કર્યો હતો. ધીમેથી કહે : ‘જા, જા હવે. આજે ધંધો બંધ છે.’ આદિલ રશિદ એમ હાર માને તેવો ક્યાં હતો ?કહે, ‘ભાવ શું છે એ તો કહે ?’‘પાંચ રૂપિયા.’‘દસ આપું. પણ આજે જ…’‘ના.’‘વીસ.’‘ના.’‘પચાસ.’એના ચહેરા પર લાલચની એક રેખા દેખાઈ પણ પછી અદશ્ય થઈ ગઈ. મક્કમતાથી કહેવા લાગી : ‘આજે તો પચાસ શું, પચાસ લાખ પણ નઈ એટલે નઈ…’ આદિલનો ચહેરો જોવા જેવો હતો. મારો પણ. કહેવાનો અર્થ, આજે દરેકને મન ઉત્સવનો દિવસ હતો. થોડીક ક્ષણો સુધી અમે ચૂપચાપ ચાલ્યા કર્યા. નજર સામે એ છોકરીનો ચહેરો દેખાવા લાગ્યો. શ્યામ, શીતળાના ડાઘાવાળો, ભૂખ્યો. ક્યાંય સુધી કંઈ ચેન ન પડ્યું. કદાચ છેલ્લાં પચાસ વરસની આઝાદી માટેના સંઘર્ષની દાસ્તાન અમારા હૃદયમાં ઘૂમરાવા લાગી. લાખ્ખો લોકોએ પોલીસના ડંડા ખાધા હતા, હજ્જારો લોકો જેલમાં ગયા હતા, કેટલાક ફાંસીને માંચડે પણ ચડ્યા હતા. પણ….. પણ….’
સાંજ થઈ ગઈ. રાત પણ થઈ ગઈ. પણ મુંબઈગરાઓનો ઉત્સાહ ઓછો ન થયો. જ્યાં જુઓ ત્યાં દરિયાનાં મોજાંની જેમ લોકો નાચતા હતા. કૂદતા હતા, ઊછળતા હતા. એમાં મરાઠાઓ હતા, ગુજરાતીઓ હતા, પંજાબીઓ હતા, મલયાલયીઓ હતા. તેલુગુભાષીઓ, તામિલભાષીઓ અને બંગાળીઓ પણ હતા. તે દિવસે જેણે મુંબઈ જોયું હશે તેણે આખા ભારતને આઝાદ થતું જોઈ લીધું હશે.

0 comments:

Post a Comment